03/07/2022
જય માતાજી
ગીર એટલે ગીર.ગીર ને શબ્દોમાં વર્ણવવી શક્ય નથી.ગીર ની તો અનુભૂતિ જ કરવાની હોય.
આજે ગીર ના વિસ્તાર અને નેસો ની વાતો કરીએ.
મસવાડી નામનો વેરો જે તે જંગલ માં પશુઓ ચારવા માટે લેવાતો વેરો છે.
હવે આ મસવાડી શબ્દ નો ઉદ્દભવ ક્યાંથી થયો એ બાબતે સંશોધન કરતા જાણવા મળ્યું કે ખરેખર આ વેરા નું મૂળ નામ
"માખણી" હતું.
સદીઓ પહેલા જ્યારે કોઈ ચલણ અસ્તિત્વ માં ન હતું ,ત્યારે જે તે રાજા ,વહીવટદાર દ્વારા રબારી, ભરવાડ ,ચારણ માલધારી લોકો પાસે થી જંગલ માં ચરિયાણ ના બદલે માખણ ઉઘરાવવા માં આવતું જેને માખણી કહેવાતું.
માલધારીઓ પાસે માલ રાખવા અને ચરાવવા બાબતે લેવામાં આવતી માખણ ની લેતરી એટલે માખણી.
ટૂંક માં માલધારીઓ પાસેથી પશુઓ રાખવા અને ચરાવવા બદલ લેવામાં માખણ રૂપે લેવામાં આવતો કર એટલે માખણી.
આ માખણી શબ્દ અપભ્રન્સ થઈ ને,ફેરફાર થઈ ને આ મસવાડી શબ્દ નો ઉદ્દભવ થયો.
ઈ.સ.1884 માં કોલો. જે.ડબલ્યુ.વોટસન,પ્રેસિડેન્ટ ,રાજસ્થાનીક કોર્ટ ,કાઠિયાવાડ દ્વારા રજૂ કરેલ રિપોર્ટ માં જૂનાગઢ રાજ્ય દ્વારા માખણી (grazing fee) નો કર લેવામાં આવતો હતો
આ grazing fee (માખણી) વેરો એક વર્ષ લેખે ઘેટાં-બકરા,ગાય, બળદ, ભેંસ,ઊંટ,પારુ ના 1/16 કોરી થી લઈને 1/2 કોરી સુધી ના દરે વસુલ કરવામાં આવતો હતો,અને આ વેરો રબારી,ભરવાડ,ચારણો અને અન્ય માલધારીઓ દ્વારા ચુકવવામાં આવતો હતો.
આ રિપોર્ટ માં જણાવ્યા મુજબ ગીર નો વિસ્તાર 1200 ચો.માઇલ માં ફેલાયેલ હતો.
ગીર જંગલ નો વિસ્તાર 1200 ચોરસ.માઇલ હતો (જે આજે 500 ચો. માઈલ થી પણ ઓછો થઈ ગયો છે)અને આ ગીર ના જંગલ માં અનેક (numerous) નેસડાઓ હતા અને પશુધન ખુબજ મોટી સંખ્યામાં કાયમી રીતે રહતા હતા.
તેમજ રિપોર્ટ માં રબારી,ચારણ ના નેસ ના વસવાટ નો ઉલ્લેખ છે
ગીર સરહદ બાબત ના કેસ માં પણ 1835 માં પણ અમુક નેસો માં મસવાડી ઉઘરાવ્યા ના ઉલ્લેખ જોવા મળે છે.
તેમજ ઇતિહાસિક પુસ્તકો દર્શાવ્યા મુજબ છેક નવમી સદી માં ગીર ના જંગલ ના નેસોમાં રબારી,ચારણ,ભરવાડ ના રહેઠાણ ના ઉલ્લેખ જોવા મળે છે.
જેમાં રા'ગ્રહરિપુ સમય માં બાલા રબારી નો ઉલ્લેખ છે,તેમજ રા'કવાંટ(રા'મહિપાલ દેવ) ના સમય માં ગીર ના નેસડા ઓમાં માલધારીઓ ના વસવાટ નો પણ ઉલ્લેખ જોવા મળે છે
આ ગીર,બરડા ,આલેચ પ્રદેશો ના આપણે રબારી,ભરવાડ ,ચારણ મૂળ રહેવાસી છે.
ઘણા ઇતિહાસકારો આ રબારીઓ ને મૂળ બરડા,ગીર ના રહેવાસી ગણે છે.
હવે હાલ માં ગીર માં રહેલા નેસો અને અમુક જુના નેસો ની યાદી તો તમે જોઇજ જશે.
પરંતુ 18 મી સદી માં આજ થી લગભગ 150 થી 200 વર્ષ પહેલાં ના ગીર ના નેસો ની માહિતી આપની સમક્ષ મુકું છું.
હાલ ના નેસો અને અમુક નેસો ના નામ તો બધા જાણે છે પરંતુ 150 વર્ષ પહેલાં ના આ નેસો ના નામ મોટાભાગના એ સાંભળ્યા નહીં હોય.અને દરેક નેસ ના નામ પાછળ કંઈક કારણ પણ છે તે પણ જાણવા મળેલ છે.ખૂબ જ ફિલ્ડવર્ક ,વયોવૃદ્ધ માલધારીઓ સાથે ની મુલાકાત અને ઇતિહાસિક સંશોધન કર્યા બાદ આ માહિતી મેળવેલ છે.અને આ માહિતી બાબતે ના આધારો પણ છે.નેસો ના નામ જોઈએ
ઘોડાકેડી નેસ,વાંસાઢોળ નેસ,માત્રા નેસ,વૈરાટ નેસ,માંડાવડ નેસ,ગીદડીયો નેસ,વીરભાણ નેસ,રાજથળી નેસ,વસરાવડ નેસ,ધુડશિયો ડુંગર નેસ,ધબુદર નેસ,માલટીંબી નેસ,નાગબાઈ નો વડ નેસ,રાજથળા નાહાંનો નેસ,આંબલિયાળો નેસ,ગુંદીયાળી નેસ,રાજથળા મોહોટો નેસ,શેખ નો નેસ,લાખાવિરડા નેસ,રાયણાલો નેસ,રણશો નેસ,જમલી નેસ,વડવાળી નેસ,ઘરવડીયો નેસ,સામળીયા નેસ,વાછરવડલી નેસ,ધુલિયા નેસ,અમરપાટ નેસ,મગતીપાટ નેસ,ચમરપાટ નેસ,ખાખરા ના દાઘીયા નો નેસ,કડાયા પાણી નો નેસ,કતરા નેસ,રાહા નો ડુંગર નેસ,જુડાલા નેસ, મઘરડી નેસ,ધુસાવડ નેસ,સરનેસ, કાકસીયાળો નેસ,કડાયો નેસ,સરખડ નેસ,દાદરેચો નેસ,આંકડીયો નેસ,કાંકસલો નેસ,ભાલવડા નો નેસ,મગવડી નેસ,અમરપાડો નેસ,વડવાળા નેસ,દ્રાશરાળી નેસ,કાબરડા નો નેસ,રણસા નો નેસ,ખાંખલીયા નોનેસ,આંબાખોઈ નેસ,કોઠાધાર વિડી નેસ,ગોકલીયા નો નેસ,કાનડી નેસ,મારગવાળો નેસ,લાંબધાર નેસ,આંબલીવાળો ગાળો નેસ,વેદાવડા નેસ,ખીજડીયો નેસ,વાંસજાળીયો નેસ,દિવાસા નેસ,દાજીયા વડ નેસ,દુબળી ધાર નેસ,કોચરો ડુંગર નેસ,ચારણ વીસા નો નેસ,વાલા કાજા નો નેસ,ચારણ દેવાણ બાટી નો નેસ,ચારણ માંડણ માદેવ નો નેસ,ચારણ ડોસા ચાવા નો નેસ,ચારણ નાજા આસળિયા નો નેસ
સને 1875 ની સાલ નો ગીર નો નકશો ઉપલબ્ધ છે જેનો અંશતઃ ફોટો પણ મુકેલ છે,તે સમયે ગીર માં 450 થી વધુ નેસ હતા,
અને નેસ માં રબારી,ભરવાડ ના રહેઠાણ નો ઉલ્લેખ જોવા મળે છે
ઉપરોક્ત નેસો માં એક સમયે માલધારીઓ ની જાહોજલાલી હતી ,અત્યારે આ નેસો નું અસ્તિત્વ સાવ ભૂંસાઈ જ ગયું છે.
(નોંધ- ઉપરોક્ત તમામ નેસો ના નામ પુરાવાઓ ના આધારે લીધેલ છે)